ખેડામાં ભાજપ નેતાનો પુત્ર જ નીકળ્યો બુટલેગર!
ખેડા જિલ્લામાં ભાજપના નેતાઓના દારૂ કનેક્શનનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કપડવંજ તાલુકા પંચાયતના ભાજપ સદસ્યના પુત્ર જ બુટલેગર નીકળતા અનેક સવાલો ઉભા થયા છે. SMCની ટીમે બાતમીના આધારે કપડવંજ-કઠલાલ રોડ પર મહોર નદીના બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન સફેદ રંગની ક્રેટા કારને અટકાવી તપાસ કરતા ભાજપ નેતા મફતભાઈ ઝાલાના પુત્ર લિંકન ઝાલા અને તેનો સાગરીત જીગ્નેશ ઝાલા દારૂની ખેપ સાથે ઝડપાઈ ગયા હતા. કારમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 2,160 બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસ દરમિયાન આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા કાર પર ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો પણ ખુલાસો થયો. SMCએ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. પૂછપરછમાં રાજસ્થાનથી દારૂ મંગાવી ગુજરાતમાં સપ્લાય થતો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે લિંકન ઝાલા સહિત 8 આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

A balanced askFinz synthesis — the facts every source agrees on, with each outlet's framing flagged.